15/01/2026
*વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) અને ISRO સાથે મળીને શરૂ કર્યું “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડતું અનોખું મોબાઇલ મ્યુઝિયમ*
*ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)* અને *વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ)* ના સહયોગથી *“સ્પેસ ઑન વ્હીલ્સ”* નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, આ મ્યુઝિયમનું ભાવનગર ખાતે ઉદ્ઘાટન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલગુરુશ્રી ડૉ. ભરતભાઈ રામાનુજ ના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ મ્યુઝિયમ તા.૧૧ થી ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન ભાવનગરની અલગ અલગ શાળાઓમાં રોકાણ.કરેલ જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે.
“સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન દ્વારા ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન જેવી ISROની મહત્ત્વપૂર્ણ મિશનોના મોડેલ્સ, રેપ્લિકા, ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે અને શૈક્ષણિક માહિતી રજૂ કરવામાં આવે છે. ઉપરાંત, અંતરિક્ષ ટેકનોલોજીના રોજિંદા જીવનમાં થતા ઉપયોગો વિશે પણ સરળ અને રસપ્રદ રીતે માહિતી આપવામાં આવે છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાવવાનો, અંતરિક્ષ ટેકનોલોજી સાથે તેમનો સંપર્ક વધારવાનો અને STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત) ક્ષેત્રોમાં કારકિર્દી માટે પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને દૂરદરાજ અને ગ્રામ્ય વિસ્તારોમાં, જ્યાં આવા શૈક્ષણિક સાધનો સરળતાથી ઉપલબ્ધ નથી, ત્યાં વિજ્ઞાનને સુલભ બનાવવાનો આ પ્રયાસ છે. આ ઉપરાંત *ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર*ની *ટોય ઈનોવેશનની એક્ઝિબીશન બસ* અને *ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA)* ની એક્ઝિબીશન બસોની ઉપસ્થિતિ રહી.
આ મોબાઇલ પ્રદર્શન બસો જાન્યુઆરી મહિના દરમિયાન ગુજરાત રાજયની અલગ અલગ શાળાઓ અને કોલેજોમાં જઈને હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોને અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયાની મુલાકાત કરાવશે. આ કાર્યક્રમમાં શ્રી મનસુખભાઈ નાકરાણી, શિક્ષણવિદ તેમજ જ્ઞાનમંજરી સંસ્થાઓના શિલ્પી, શ્રી એચ એમ નિમ્બાર્ક, પ્રોવોસ્ટ, જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી, ભાવનગર, ડૉ. આસ્તિકભાઇ ધાંધીયા, સહસચીવ, ગુજરાત પ્રાંત, વિજ્ઞાન ગુર્જરી, શ્રી મુંજાલભાઈ ભટ્ટ, જિલ્લા સંયોજક, વિજ્ઞાન ગુર્જરીની ઉપસ્થિતિ રહી હતી. કુલગુરુ ડો. ભરતભાઈ રામાનુજ દ્વારા ઉક્ત કાર્યક્રમ માટે સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.